શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજન નો ઈતિહાસ

                       ઉપનિષદ નું એક સુત્ર છે.....एकोहं बहुस्याम वदन्ति I અર્થાત: ઈશ્વર એક છે ; પણ વિવિધ રીતે ઓળખાય છે. આપણે રઘુવંશી પણ એક છીએ પરંતુ જુદે, જુદે નામે ઓળખાઈએ છીએ. અયોધ્યાથી નીકળેલા લવ ના આપને વંશજો. Migrate થતા - થતા વિશ્વભરમાં પ્રસર્યા...વહેંચાતા ગયા ... અલગ થતા ગયા... તે ત્યાં સુધી કે આપણી ઓળખ એક નાનકડા સીમિત દાયરામાં આવીને ઉભી રહી. આપણે હાલારી,ઘોઘારી, કચ્છી, ગુજરાતી જેવા સ્થળવાચક , ભૌગોલિક નામોમાં વહેંચાતા ગયા, કયાંક વ્યવસાય ને અટક તરીકે સ્વીકારી, કયાંક સમર્થ પિતૃ ના નામે ઓળખાવવા લાગ્યા. બાકી આપણી ઓળખ રઘુવંશ સુધી પહોંચે છે.

                       આપણા માં વર્ષો જુના રઘુવંશના લોહીનો એ ગરમ મિજાજ છે. આપણી રક્ત વાહીનીઓમાંથી જે લોહી વહે છે તે રઘુવંશનું છે. એટલે જ વહેતા રક્તમાં એક ખુમારી છે, એક ગૌરવ છે, ણે આપણા અસ્તિત્વ ની ચિનગારી છે.

                       ઉપરોક્ત સ્થળવાચક નામો એ કાંઈ આપણી ‘રઘુવંશ’ ની આઇડેન્ટિટી (વિશેષ ઓળખ) એ ભૂંસી નાખી નથી. આપણી વંશીય વિશિષ્ટતાઓ હજુ પેઢી દર પેઢી જળવાઈ રહી છે. ‘वसुधैव कुटुम्बकम्’ ની ભાવનાના આપણે પ્રખર પુરસ્કર્તા છીએ. પરંતુ આપણી જાતિગત ઓળખને હજુ જાળવી રહ્યા છીએ. જાતિગત અસ્મિતા એ સાંસ્કૃતિક અસ્મિતાની વિરોધી નથી.વ્યક્તિ જો ગૌરવહીન હશે, તો એ સંસ્કૃતિનું ગૌરવ પણ નહિ અનુભવી શકે. વ્યક્તિ ને પોતાની જાતનું, પોતાના ઘરનું , પોતાની શેરી, મહોલ્લો, ગામ કે તાલુકાનું ગૌરવ હશે તો રાષ્ટ્ર કે વિશ્વનું ગૌરવ પણ અનુભવી શકશે. વેપારી તરીકે લોહાણા નીડર, નીતિમાન, એકવચની અને પ્રાણી માત્રનું હિત ઇચ્છનાર છે. રઘુવંશી લોહાણા એ જ્ઞાતિ, ધર્મ, અને રાષ્ટ્ર માટે જ નહિ, પણ એક ઝાડવું કપાતું હોય તો તે માટે પણ પ્રાણ આપી દીધાના દાખલા છે. લોહાણા જ્ઞાતિ એ સ્વામી પ્રાણનાથ, સંત શ્રી જલારામ બાપા, સંત કવિ શ્રી ભાણ સાહેબ, યોગી બાપા જેવા ની સમાજને ભેટ આપી છે. ગૌ રક્ષા માટે પ્રાણ ની આહુતિ આપનાર વીરદાદા જશરાજ ને જન્મ આપેલ છે.

                       ઉપરોક્ત લોહાણા જ્ઞાતિની ઓળખ આપ્યા પછી હવે આપણે શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજન તરફ એક નજર ફેરવીએ. આગળ જણાવ્યું તે પ્રમાણે લવ ના વંશજો આપણે માયગ્રેટ થતાં, થતાં વિશ્વભરમાં પ્રસર્યા. લોહાણા નો એક મોટો સમુદાય સૌરાષ્ટ્રના જુદા, જુદા શહેરો જેવા કે જામનગર, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર વગેરે જગ્યા એ સ્થાયી થયો. આ એક બહુ મોટો સમૂહ હતો. આજ થી આશરે ૫૦ વર્ષ (ઈ.સ. ૧૯૬૫) પહેલા સૌરાષ્ટ્ર ના જુદા, જુદા શહેરોમાંથી ઘણા બધા કુટુંબો ધંધા-રોજગાર માટે મધ્ય ગુજરાત ના આણંદ શહેર માં માયગ્રેટ થયા. આણંદ એ ચરોતર પ્રદેશ તરીકે પ્રખ્યાત છે. અહીં તમાકુનું વાવેતર ખુબજ મોટા પ્રમાણ માં થાય છે. તેથી સૌરાષ્ટ્રમાં થી આશરે ૧૫૦ કુટુંબો આણંદ અને તેની આજુબાજુના વિસ્તારમાં તમાકુના ધંધામાં પોતાનું નશીબ અજમાવવા સ્થાયી થયા. બધા કુટુંબો એક જ પ્રદેશ (સૌરાષ્ટ્ર) માંથી આવતા હોઈને રહેણી-કરણી, આચાર-વિચાર, સરખા હોઈને સમાજના આર્થિક, સાંસ્કૃતિક, તેમજ શૈક્ષણિક વિકાસ માટે ‘શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજન’ નામથી એક સંગઠન ની સ્થાપના કરી. જ્ઞાતિ આગેવાનો શ્રી મોહનલાલ પ્રેમજીભાઈ મીરાણી, પોપટભાઈ ધારશીભાઇ કારીયા, રામજીભાઈ ભવાનભાઈ રાજા, ચુનીલાલ ત્રિભોવનદાસ કારીયા, મણીલાલ રૂગનાથ કારીયા, ત્રિભોવનદાસ પિતામ્બરદાસ સાદરાણી, મોહનલાલ જીવણલાલ સાગલાણી વગેરે એ ભેગા મળીને જ્ઞાતિના વિકાસ માટે એક ટ્રસ્ટી મંડળ ની સ્થાપના કરી. શરૂઆતમાં મહાજનની મીટીંગો, ટ્રસ્ટી મંડળ ની મીટીંગો ઉપરોક્ત આગેવાનોના ઘરે બોલાવવામાં આવતી હતી. મહાજન પાસે પોતાનું મકાન ન હતું.

                       તા. ૨૩/૯/૧૯૭૩ નાં રોજ અમૃતવાડી માટે ખરીદેલ જમીન નો દસ્તાવેજ કરવામાં આવ્યો. આ જમીન પર તા. ૬/૧૨/૧૯૯૦ ના રોજ ભૂમિ પૂજન કરીને અમૃતવાડી નું બાંધકામ શરુ કરવામાં આવ્યું. જ્ઞાતિના ભીષ્મપિતા અને લોહાણા સમાજના અગ્રણી સ્વ. શ્રી પ્રેમજીભાઈ ઠાકરશીભાઈ મીરાણી અને તેઓના પરિવારજનો ના સોનેરી સ્વપ્ન સમાન ‘અમૃતવાડી’ નું ઉદઘાટનતા. ૨૧/૪/૧૯૯૬ ને રવિવાર ના શુભ દિને કરવામાં આવ્યું. “અમૃતબા પ્રેમજીભાઈ ઠાકરશી મીરાણી” શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજન સંચાલિત ‘અમૃતવાડી’ નામાભિધાન કરવામાં આવ્યું. ઈ.સ. ૧૯૯૬ માં Basement અને Ground Floor નું નિર્માણ કરાયું. ઈ.સ. ૨૦૧૨ માં, સમય ની માંગ અનુસાર, First Floor AC Hall બંધાવાનું નક્કી કર્યું. સ્થાનિક જ્ઞાતિ અગ્રણીઓ તેમજ મુંબઈ સ્થિત J.V. Gokul Trust પાસેથી દાન મેળવીને First Floor AC Hall નું નિર્માણ કરીને J.V. Gokul First Floor AC Hall નું તા. ૧૫/૧૨/૨૦૧૩ ના રોજ ઉદઘાટન કરવામાં આવ્યું. આ હોલના બાંધકામમાં સ્થાનિક જ્ઞાતિજનો નું પણ ખુબ મોટું યોગદાન રહેલું છે. હાલમાં Basement A.C. Hall, Ground Floor Non AC Hall, અને First Floor AC Hall કાર્યરત છે.