- કાન્તિ ભટ્ટ

આ છે મહાજાતિ ગુજરાતીના એક અંતરંગ અંશ.

લોહાણાજાતિની ઝલક!
લોહજાતિના વારસદાર લોહાણા

                       ચંગેઝખાન આવ્યો. શાહબુદ્દીન ધોરી આવ્યો, સિંધના દુઃશાસકો આવ્યા, એટલે હિજરત કરીને કચ્છ-કાઠિયાવાડમાં લોહાણા વસી ગયા. અંગ્રેજ આવ્યા અને લોહાણા જવાનોએ દરિયો ખેડીને ઘર બનાવ્યાં - કેનિયા અને તાંગાનિકામાં, દારેસલામ અને જંગબારમાં, સાગર જેવી રાક્ષસી નદીઓ ઓળંગીને, લોહીલુહાણ આફ્રિકાની તપતી, બળતી, ધગમગતી છાતી પર અને ઈદી અમીનની લાલઘૂમ શયતાનિયત વરસી ગઈ. ખભા પર વતન મૂકીને, આંખોમાં નવી ક્ષિતિજો ભરીને, લોહાણા ફરીથી નવા આબોદાનાની દિશામાં નીકળી પડ્યા - કેનેડા અને ઈંગ્લેન્ડ! પ્રાચીન કાળના ફિનિશિયલ અને મધ્યયુગના યહૂદીની જેમ લોહાણાના કિસ્મતમાં પૃથ્વી પર ટકવાનું લખ્યું છે. એની છાતીના બરછટ વાળ સાચા છે, એની કર્કશ ભાષા ઈમાનદાર છે. એ કરોડો કમાયો છે. એ ઊખડીને ખેદાનમેદાન થઈ ગયો છે. એના કીર્તિસ્થંભો ખંડિયેરો બન્યાં છે અને તેણે ખંડિયેરોમાંથી કીર્તિસ્થંભો ઊભા કર્યા છે, કારણ કે એ લોહજાતિનો વારસદાર છે. એક લોહાણા સંસ્થાનો મને પરિચય છે - હરિદ્વારનું ‘ગુજરાત ભવન’ એનું નામ ગમે તે હોય, પણ હિન્દુસ્તાનભરનો ગુજરાતી એને ગુજરાતભવન નામથી ઓળખે છે. 28 વર્ષ પહેલાં કલકત્તાના છગનલાલ પારેખ ઉર્ફે છગનબાપાને સ્ફુરેલા વિચાર અંકુરમાંથી આજે ત્યાં પાંચ વિરાટ મકાનો ઊભાં છે. અત્યાર સુધી ત્રણ લાખ યાત્રીઓ તેનો ઉપયોગ કરી ગયા છે. મહિને દોઢસો રૂપિયામાં ‘બાદશાહી’ સગવડોવાળો ફ્લેટ મળે છે અને એક રૂપિયામાં સૂવા પણ મળે છે. આવનારાં કુટુંબોમાંથી 60 ટકા રાજીખુશીથી સહાય આપી જતાં હોય છે. જે સંસ્થા કમાણીની આશા રાખ્યા વિના આટલી જ્વલંત પ્રગતિ કરી શકે એ કયા કારણોસર? નિઃસ્વાર્થ સેવા, સ્વચ્છ વ્યવસ્થા, જ્ઞાતિના શ્રીમંતોનાં ઉદાર અનુદાનો, અત્યંત વ્યવહારુ અને બુદ્ધિશાળી માણસોના હાથમાં અર્થતંત્રનો અંકુશ અને મહત્ત્વની અંતિમ વાત : એક કાકુભાઈ, જે સીઝનમાં ચોવીસ કલાકમાંથી અઢાર કલાક પ્રસન્નતાથી સંસ્થા માટે કામ કરી શકે છે!

Read more /less

                       કચ્છી લોહાણા હોય કે નગરઠઠ્ઠા લોહાણા હોય, ઘોઘારી લોહાણા હોય કે હાલાઈ લોહાણા હોય, પણ જ્ઞાતિએ પ્રગટાવેલા સંતો ગુજરાતમાં અને ભારતભરમાં પ્રસિદ્ધ છે. ઈતિહાસમાં લાલઉડેરા અથવા દરિયાલાલ અથવા ઝૂલેલા ‘ઝિન્દા પીર’ને નામે મશહૂર છે. વીરપુરના લોહાણા તપસ્વી જલારામ બાપાના ભક્તો-ભાવિકોની સંખ્યા લાખો પર હશે. મૂળ લોહાણા ઝીણાભાઈમાંથી સ્વામી જ્ઞાનજીવનદાસજી બનેલા યોગીજી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના દિગ્ગજ છે. એમના પરિચયની જરૂર નથી. બોરસદના લોહાણા કુટુંબમાં જન્મેલા બલ્લુભાઈ આગળ જતાં ભિક્ષુ અખંડાનંદ બન્યા અને એમણે ગુજરાતને અમર ‘સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય’ આપ્યું.

                       અમદાવાદના લાલબાપુ સુપ્રસિદ્ધ છે. રણછોડદાસજી મહારાજના ભક્તોમાં પણ લોહાણા અગ્રસ્થાને છે. મહાન લોહાણા વિભૂતિઓની નોંધ લેતાં પહેલાં બે નામોનું સ્મરણ કરવું જોઈએ કારણ કે એનું કાર્યક્ષેત્ર આફ્રિકા રહ્યું છે: જામનગર પાસે જન્મેલા નાનજી કાલિદાસ (મહેતા) અને પોરબંદર પાસે જન્મેલા મૂળજીભાઈ પ્રભુદાસ માધવાણી! એમના વિશે સંક્ષેપમાં લખવું શક્ય નથી. એ આફ્રિકાના બિરલા-તાતા હતા. એ બંને પરિવારોએ આધુનિક પૂર્વ આફ્રિકાના સર્જનમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. વચ્ચે ફિલ્મી અિભનેત્રી મુમતાઝને પરણવા માટે મયૂર માધવાણીનું નામ છાપાંઓમાં ચમક્યું હતું. શેખર મહેતાનું નામ પણ વિશ્વભરમાં ચમકે છે કારણ સ્પીડ રેસિંગના એ ઉસ્તાદ ખેલાડી છે. નાનજીભાઈના પૌત્ર શેખર મહેતા સ્પીડકારની - દુનિયામાં પ્રથમ ગુજરાતી વિશ્વ ચેમ્પિયન હતા! હજુ પણ આફ્રિકાની હાડકાંતોડ સફારી કાર-રેસમાં વિશ્વના શ્રેષ્ઠ કાર-ચાલકોની સાથે બા-ઈજ્જત સ્પર્ધામાં ઊતરે છે. એમની પત્ની ફ્રેંચ છે.

                       ગુજરાતનું દુર્ભાગ્ય છે - એ પોતાના સપૂતોને ઓળખતું નથી. આજના યુવા ગુજરાતીઓમાં કોઈ ગુજરાતીએ રમતગમતના ક્ષેત્રે એમના જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી નથી!

                       ટેબલટેનિસમાં મુંબઈના ઉત્તમ ચંદારાણા વર્ષો સુધી ભારતના ચેમ્પિયન રહ્યા છે અને એમના મુકાબલાના ખેલાડી હજુ ઓછા જોવા મળે છે. આજે પણ વૉટર-સ્પોર્ટ્સમાં મગનભાઈ રાડિયાનું નામ ચોટીનાં નામોમાં છે, કદાચ એક જ છે. ભારતીય ક્રિકેટની જૂની પેઢીના ફાસ્ટ બૉલર મોહનલાલ ચંદારાણા અને ભારતના ભૂતપૂર્વ બેડમિન્ટન ચેમ્પિયન કિશોર લોટવાળા પણ લોહાણા જ. કલા-સાહિત્ય-પત્રકારત્વમાં પ્રથમ સ્મરણ કરવું જોઈએ ‘ચિત્રલેખા’ના સ્થાપક વજુ કોટકનું! માત્ર 45 વર્ષે એમનો દેહાંત થયો, પણ આજના આધુનિક ગુજરાતી રાજનીતિક, સામાજિક, સાપ્તાહિક પત્રકારત્વના એ જન્મદાતા છે. વિસનજી ઠક્કુર એમના સમયના પ્રકાંડ પંડિત હતા અને મુંબઈ યુનિવર્સિટીની એમના નામવાળી વ્યાખ્યાનમાળામાં પ્રતિષ્ઠિત વ્યિક્તઓને આમંત્રણ આપવામાં આવે છે. ફિલ્મ પત્રકારત્વની સાથે જ રામુ ઠક્કર યાદ આવી જાય. એમના નાનાભાઈ અનંત ઠક્કરને ગુજરાત કવિ ‘શાહબાઝ’ નામથી ઓળખે છે. ગોકુળદાસ રાયચુરાએ 1924માં ‘શારદા’ માસિક શરૂ કર્યું હતું. કવિ કરસનદાસ (નરસિંહ) માણેકનો હજુ હમણાં જ દેહાંત થયો. અંત સુધી એમણે એમનો કવિધર્મ પવિત્રતાથી બજાવ્યો.

                       ગદ્યની દુનિયામાં રસિક ઝવેરી બહુ લોકપ્રિય થઈ ગયા. રશિયન વિદેશાલયમાં અનિલ કોઠારી તંત્રીના ઊંચા હોદ્દા પર છે. ડિટેક્ટિવ વાર્તા લેખક તરીકે જેઠાલાલ સોમૈયા એક વર્ગમાં મશહૂર હતા અને એ જ રીતે વ્યંગકાર મહેન્દ્ર ઠક્કર અથવા છોટમ્ વર્ષોથી ‘હસાહસ’ કરાવે છે. ગુજરાતના પ્રથમ શ્રેણીના વ્યંગ-ચિત્રકારોમાં રમેશકુમાર ચંદે ઉર્ફે રૂપમનું સ્થાન છે. પત્રકારોમાં ‘જન્મભૂમિ’ તથા ‘વ્યાપાર’ના વસાણીબંધુઓ, પ્રદીપ તન્ના અને અજિત પોપટ, કવિ-ચિત્રકાર પ્રદ્યુમ્ન તન્ના, નૃત્યનાટિકા લલિત સોઢા અને વિજ્ઞાપનના વ્રજલાલ વસાણી લોહાણા છે. કલાકારોની વાત કરીએ ત્યારે ગુજરાતી ફિલ્મઉદ્યોગના હીરો રાજીવને ભૂલી શકાય નહીં - એ પણ લોહાણા છે. ડૉકટર ચંદ્રશેખર ઠક્કુરે આયુર્વેદ અને જ્યોતિષનાં ક્ષેત્રોમાં કેવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ બધાં જાણે છે. હૃદયરોગના નિષ્ણાત છે ડૉ. ઓ.ટી. રામાણી.

                       સ્ત્રી-શિક્ષણના હિમાયતી શેઠ લક્ષ્મીદાસ ચંદારામજીએ આજથી લગભગ સિત્તેર વર્ષ પહેલાં સાડા ત્રણ લાખની સખાવત આપીને દક્ષિણ મુંબઈની પ્રસિદ્ધ ચંદારામજી ગલ્સ’ હાઈસ્કૂલ શરૂ કરાવી હતી! કૉલેજોમાં નરસી મોનજી નામની કૉમર્સ કૉલેજ, વિદ્યાવિહારની કરમશી સોમૈયાની કૉલેજ અને ગોરધનદાસ જાદવજી રૂપારેલની રૂપારેલ કૉલેજ લોહાણા ધન અને સાહસથી શરૂ થયેલાં ત્રણ શિક્ષણ-પ્રતિષ્ઠાનો છે!

                       ઉદ્યોગ, વ્યાપાર, દાનવૃત્તિ, છાતીની પહોળાઈ અને આંખોની ખુમારીની બાબતમાં કોનાં નામ લેવાં અને કોનાં ન લેવાં? અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરને આખું હિન્દુસ્તાન ‘ઠક્કરબાપા’ના નામે ઓળખે છે. લોહાણા જાતિના એ પ્રથમ ગ્રેજ્યુએટ અને એન્જિનિયર હતા. પીડિત-દલિત અને આદિવાસી જાતિઓની સેવા પાછળ જીવન ન્યોછાવર કરનાર ઠક્કરબાપા ઈતિહાસનાં પાનાંઓ પર અમર થઈ ગયા છે. ગઈ પેઢીના દામોદરદાસ સુખડવાળા ઉદ્યોગપતિ ઉપરાંત પ્રગતિશીલ બુદ્ધિજીવી હતા. એ પેઢીના છગનલાલ કરમશી પારેખ ઉર્ફે છગનબાપા એક કર્મઠ સાધક અને સેવકની સુવાસ મૂકી ગયા છે. 1934માં વિઠ્ઠલભાઈ પટેલ રોડ પર ચાઈના બાગ ખરીદીને સિક્કાનગર વસાવનાર મૂળજી સિક્કા લોહાણા હતા. પ્રખર આર્યસમાજી દેશભક્ત શૂરજી વલ્લભદાસ અને એમના ખ્યાતનામ પુત્ર પ્રતાપસિંહ લોહાણા પરિવારના છે અને એમની સાહસગાથા પૂરા સમાજને ગૌરવ આપે એવી છે. શાહ સોદાગરોમાં દેવકરણ નેણશી તન્નાનું નામ મોખરે છે. લોહાણા વેપારીઓ વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલા છે : ભાણજી લવણનું ‘બી.એલ.’ માર્કાનું ઘી ખાઈને ઘણાએ તબિયત બનાવી છે. મગનલાલ ડ્રેસવાલાના ભપકદાર ડ્રેસ પહેરીને ઘણા હીરો બન્યા છે. વિઠ્ઠલદાસ કુટમુટિયાનું ‘મેટ્રિક મેગેઝિન’ વાંચીને અનેક પાસ થાય છે. કરમશી સોમૈયા ખાંડના શહેનશાહ છે, તો ચત્રભુજ નરસી ભારતીય સિગારેટોના સમ્રાટ છે. મગનભાઈ સવાણી દુનિયાભરમાં ભારતીય ફિલ્મોના વિતરણક્ષેત્રના માબૈ-દૌલત છે. આ તો માત્ર થોડાં નામો. રવજી ગણાત્રા મુંબઈના મેયર રહી ગયા છે. નથવાણી કમિશનવાળા નરેન્દ્ર નથવાણી કાનૂની જગતનું એક યશસ્વી નામ છે અને કચ્છના પ્રેમજી ભવાનજી ઠક્કર ગુજરાતના રાજકારણ પર ઘણાં વર્ષો છવાયેલા રહ્યા હતા.

                       ગિરધરભાઈ કોટક સૌરાષ્ટ્રના નાણાપ્રધાન હતા. પાછળથી ગોલ્ડ કન્ટ્રોલ-સુવર્ણ નિયંત્રણ તંત્રના અધ્યક્ષ હતા. ભારત સરકાર તરફથી વિશ્વભરમાં ગયા હતા. આજે હીરાલાલ સોઢા ઈન્કમટેક્સના ઉચ્ચકક્ષાના સલાહકાર તરીકે સુપ્રસિદ્ધ છે. નાટકની દુનિયામાં અરવિંદ ઠક્કર નવા દિગ્દર્શકોમાં શ્રેષ્ઠ છે. નાટ્ય જગતનાં અન્ય નામો : ચંદ્રકાંત ઠક્કર, અશોક ઠક્કર અને દેવયાની ઠક્કર! પોરબંદરનાં પ્રવીણચંદ્ર જીવનદાસ રૂપારેલ હસે છે પણ હિન્દીમાં અને શબ્દની વ્યુત્પત્તિ એમનો વિષય છે. શાન્તિકુમાર રાજા રૂરકેલા પોલાદના કારખાનાના ઉચ્ચાધિકારી રહી ચૂક્યા છે.

                       સૌરાષ્ટ્ર ઉદ્યોગ-ધંધામાં ઘણી જાતના રાજાઓ આજે પણ લોહાણા જાતિમાં છે! હરજીવન બારદાનવાળા ઘણાં વિરાટ પ્રતિષ્ઠાનોના માલિક છે. રૂગનાથ ત્રિકમદાસ ખજૂરના રાજા છે. છતાં કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં લોહાણા મધ્યમવર્ગની ગૃહિણીઓને બહુ વૈતરું કરવું પડે છે.

                       એક મુરબ્બીએ કહ્યું કે, આત્મહત્યાના પણ બેશુમાર કેસો થાય છે. તેની સામે સવિતાબહેન નાનજી કાલિદાસે સ્ત્રી શિક્ષણ તથા સુધારામાં પોરબંદર ખાતે ઊભી કરેલી સંસ્થા આર્ય કન્યા ગુરુકુલ આંખો ને પ્રસન્નતા આપે છે!

                       ભિવન્ડીની પાવરલૂમો માં પણ લોહાણા છવાયેલા છે. રાજાઓ માત્ર સૌરાષ્ટ્રમાં છે એવું નથી - મુંબઈમાં પણ છે! સિમેન્ટ-પથ્થરમાં પોરબંદરનાં જમનાદાસ ખેરાજભાઈ બોઘાભાઈ લાદીવાળાનું નામ છે, તો બીજા જમનાદાસ માધવજી તન્ના સિંગદાણાના સૌથી મોટા એક્સપોર્ટર છે. હરિરામ જેરામ મેવાવાળા અથાણાં અને મસાલાના નિકાસના વેપારી તરીકે દુનિયાભરમાં ફેલાયેલા છે. રૂગનાથ દેવજી મેવાવાળા મેવાના સૌથી મોટા મહારથી છે. એમની કંપનીના જીવણલાલ મજીઠિયાએ જીવિકોને સૌથી વધારે કામ આપ્યું હોવાનું કહેવાય છે. પ્રિન્ટેડ સાડીમાં દેવજી ભીમજી સાડીવાળા ભારતની સૌથી મોટી પાર્ટી છે. તો રમણલાલ ઠક્કર બાથવાળા કેટરિંગના બાદશાહ છે. માથેરાનની રૂબી, પૂનાની રિટ્ઝ, મુંબઈની ઠાકર્સ હોટલો અને અન્ય અડધો ડઝન સ્થાનોમાં એમણે પાયાનું કામ કર્યું છે. બિલ્ડરોમાં મજીઠિયા અને કક્કડ બે બહુ મોટાં નામો છે. ઑલ ઈન્ડિયા હાઉસ હૉલ્ડ ગેસ યુઝર્સ એસોશિયેશનના પ્રમુખ છે મહેન્દ્ર ઠક્કર. મટકા અને અન્ય દુઃસાહસોમાં મહાન બુકી તરીકે કેટલાંક લોહાણા નામો છે!

                       લોહાણા માટે ‘બાવંઢા’ શબ્દ વપરાતો સાંભળ્યો છે. કોઈ લોહાણા જ્ઞાતિવિદ્વાન આ શબ્દનો અર્થ સમજાવી શકશે? અથવા શબ્દના ખેલાડી પ્રવીણચંદ્ર જીવનદાસ રૂપારેલ તો છે જ...

                       ‘રઘુવંશી – લોહાણા જ્ઞાતિનો ઈતિહાસ’ પુસ્તક નાં લેખક નરોતમ પલાણ પોતાના પુસ્તાલ માં લખે છે કે શ્રી ઉદ્ધવજી તન્ના દ્વારા ૧૯૧૩ માં ‘શ્રી લોહાણા જ્ઞાતિની ઉત્પતિ અને તેનો ઈતિહાસ’ નામનું જે પુસ્તક પ્રગટ થયું તે આપણા ઈતિહાસ નું પ્રથમ પુસ્તક છે. આ સમય દરમ્યાન કોંગ્રેસનો ઈતિહાસ લખનાર તે વખતના ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ ના તંત્રી હિરાલાલ હરજીવન ગણાત્રા એ ‘ લોહાણા તે રઘુવંશી કે બાવંઢા ?’ નામનું એક ચર્ચાસ્પદ પુસ્તક લખ્યું તેની સામે ૧૯૨૪ માં લોહાણા જ્ઞાતિ સબંધી બે પુસ્તકો લખાયા. એક ‘લોહાણા મૂળ રઘુવંશી છે, બાવંઢા નથી’ લેખક જદુરાય ખંધેડીયા અને બીજું ‘બાવંઢા એટલે રઘુવંશી’ લેખક નારાયણ વિસનજી ઠક્કર આ ચર્ચા એ આપણા ઈતિહાસપ્રેમી શિક્ષીત વર્ગમાં ખુબ હલચલ મચાવી અને લોહાણા જ્ઞાતિનો ઈતિહાસ મેળવવા માટે દેશ-પરદેશ શોધ પ્રવાસો થવા માંડ્યા.

                       લોહાણા શબ્દ પહેલાંના જમાનામાં કાંદા અને લસણ સાથે સંકળાયેલો હતો. સામાન્ય રીતે એ કાંદાનો વ્યવસાય કરતા હતા. સ્કૂલમાં નાના છોકરાઓ આ બાબતમાં ઘણી રમૂજો પણ કરતા! ઘણા વડવાઓ રમૂજમાં કહેતા કે ‘લોહાણાની લાજ રાખી ધનમાતા ડુંગરી’